આદિ કૈલાસ અને ઓમ પર્વત યાત્રા (2024)
આદિ કૈલાસ અને ઓમ પર્વત યાત્રા
વર્ષો થી એક અંદર દબાયેલી ઈચ્છા હતી માનસરોવર ની યાત્રા કરવાની.પરંતુ ચીન સરકાર એ અમુક વર્ષોથી પરમીટ આપવી બંધ કરેલ. થોડા સમય પહેલા આદિ કૈલાસ વિશે વર્ણન સાંભળી અને ઓમ પર્વત ના દર્શન કરવાનું મન પાક્કું કર્યું.
5-10-24
અમે એટલે કે હું અને શ્રી પ્રદીપ વોરા, યાત્રા નાં પ્રથમ ચરણ રૂપે વડોદરા થી ટ્રેન માં નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન પહોંચ્યા.Waiting lounge માં એક વ્યક્તિ ના 10 રૂપિયા આપીને જેવું તેવું પ્રાતઃ કાર્ય પતાવ્યું. ચા પાણી પતાવી અજમેરી ગેટ જ્યાં ટ્રાવેલ કિંગ ના guide મયંક ને મળ્યા.સહ પ્રવાસીઓ સાથે ટેમ્પો ટ્રાવેલર્ માં ગોઠવાઈ ગયા.જેમાં ત્રણ મહિલાઓ,એક કપલ અને અમે બંને એમ સાત જણાએ હરિઓમ ના નાદ સાથે મુસાફરી નો આરંભ કર્યો. આગળ એક ભાઈ હલ્દવાની થી જોઈન થવાના હતા. રસ્તા માં જમવાનું પતાવી, 320 કિમી ની સુંદર પહાડી રસ્તા ની મુસાફરી કરી કેંચી ધામ પહોંચ્યા.
કેંચિધામ :
અહીં બાબા કરોલીવાળા ના આશ્રમ ની મુલાકાત લીધી, જેના વિરાટ કોહલી અને સ્ટીવ જોબ્સ પણ followers છે.રમણીય દૃશ્યો વચ્ચે આવેલ આશ્રમ માં ખુબ યાત્રાળુઓ આવતા હોય છે.અહીથી સાંજના સાડા છ વાગ્યે વધુ ઊંચાઈ તરફ પ્રયાણ કર્યું. રાત્રિ રોકાણ માટે હોટેલ બીનાસાર ઇકો માં જમવાનું પતાવી નિદ્રાધીન થયા. આજે 10 કલાક માં 400 કિમીની મુસાફરી ખુશનુમા વાતાવરણ માં કરી.
૬-૧૦-૨૪
પેકેજ માં નાસ્તો તથા ડિનર નો સમાવેશ છે એટલે ભરપેટ નાસ્તો પતાવી આગળ નું પ્રયાણ આદર્યું.
એક વ્યક્તિ અહી થી જોઇન્ટ થઈ.હવે ૮ જણ થયા. ગ્રુપ માં ૫૫ થી ૭૬ વચ્ચે નાં મેમ્બર છે,પણ બધા આનંદી સ્વભાવ નાં છે.
રસ્તા માં મોજ મસ્તી કરતા કાસર દેવી નાં મંદિરે પહોંચ્યા,જે એક ટેકરી પર સ્થિત છે.૧૨૫ પગથિયાં ચડી ને ઉપર જવું પડે છે.અમે ૭૦૦૦ ફૂટ ની ઊંચાઈ પર છીએ. ઉપર હરવા ફરવા માં દોઢેક કલાક પસાર કરી ફરી આગળ ની મુસાફરી ચાલુ કરી.
બીજો પડાવ ગોલું દેવતા નું મંદિર હતું.ત્યાં દર્શન માટે લાઈન હોય છે. ત્યાર બાદ બપોરે પ્રખ્યાત પૌરાણિક જાગેશ્વર ધામ પહોચ્યા ત્યાં પ્રાચીન મંદિરો આવેલ છે,અહી પણ પબ્લિક વધારે જોવા મળે છે. અહીંથી 100 કિમી દૂર પતાલ ભુવનેશ્વર નામ ની underground ગુફા ની મુલાકાત લેવાની હતી પણ ત્યાં ઓક્સિજન લેવલ ખૂબ નીચું હોવાને લીધે ત્યાંનાં આયોજકો એ ગુફા દર્શન બંધ કરેલ જેથી પ્લાન કેન્સલ કરવો પડ્યો જેનો અફસોસ રહી ગયો.પહાડી સર્પાકાર રસ્તા નું સૌંદર્ય માણતા અને હોટેલ હિમશિખર પહોચ્યા જ્યાં રાત્રિ રોકાણ હતું.રાત ના નીચે આવેલા ગામો ની લાઈટો જોવા ની મજા પડે.આખું આકાશ તારા સહિત નીચે આવી જતું લાગે.જમવાનું પતાવી રૂમ ભેગા થઈ ગયા.સવારે ૫ વાગે સૂર્યોદય જોવા જવાનું છે.
૭-૧૦-૨૪
અત્યારે ૫ વાગ્યા છે ગ્રુપ નાં સભ્યો તૈયાર છે બે કિલોમીટર ચાલવાનું છે. નિશ્ચિત જગ્યા પર પહોંચી સૂર્યોદય નિહાળ્યો તથા દૂર નાં હિમ શિખરો નાં પણ દર્શન થયા,નંદા દેવી શિખર પણ દેખાય છે.
હોટેલ પર પાછા ફરી નાસ્તો વિગેરે પતાવી ઉપડયા ધાર ચૂલા એટલે કે મુખ્ય યાત્રા નો બેસ કેમ્પ.
સર્પાકાર પહાડી રસ્તા તથા ગાઢ જંગલો માં ૧૫૦ કિલોમીટર ની મુસાફરી કરી બપોરે પહોચ્યા ધાર ચૂલા. જે કાલી નદી પર આવેલ છે.ધાર ચૂલા એક નાનું ગામ છે જે બે વિભાગ માં વહેચાયેલું છે નદી ને સામે પાર નેપાળી ધાર ચૂલા અને આ બાજુ ભારત નું. કાલી નદી બને દેશ ની કુદરતી સરહદ છે.બે દેશ વચ્ચે એક નાનો ઝૂલતો પુલ છે જે બને દેશ નાં લોકો માટે અવર જવર માટે ઉપયોગ માં લેવાય છે. જોકે નેપાળ જવા માટે આર્મી નાં માણસો આધાર ચેક કરે છે બીજું કંઈ જરૂરી નથી.અમે પણ નેપાળ જઈ મોમોસ અને ચા પી ને હોટેલ ભગવતી ઈન પર આવ્યા.રાત નું જમવાનું પતાવી આવતી કાલ ની યાત્રા નાં સપના જોતા નિંદ્રા ધિન થયા.
૮-૧૦-૨૪
આજે અમારી આદિ કૈલાસ તથા ઓમ પર્વત ની યાત્રા આરંભ થવાની છે.અહી અમારી ટેમ્પો ટ્રાવેલર્સ ને આરામ મળશે અને બોલેરો માં મુસાફરી ચાલુ થશે.અહી બીજા કોઈ વાહન ને પરમીટ નથી મળતી કેમકે સાંકડા સર્પાકાર ઊંચાઈ વાળા ઉબડખાબડ રસ્તા પર આવા વાહનો જ ચાલી શકે.એક વાત કેવી રહી ગઈ કે આગળની યાત્રા માટે ઇનર પરમીટ લેવી પડતી હોય છે .જે માટે મેડિકલ સર્ટિફિકેટ તથા પોલીસ વેરિફિકેશન જરૂરી છે આમ પણ હદય તથા ફેફસાં નાં દર્દી માટે આ યાત્રા ન કરવા સલાહ. ઉપર ઠંડી વધારે હોય તથા હવા પાતળી હોય.
ખેર અમે બોલેરો માં સ્થાન લીધું,ટોટલ ડ્રાઇવર સહિત પાંચ જ વ્યક્તિ બેસી શકે.પાછળ સામાન રાખવાની જગા હોય છે.
અહી થી અમારે નબી ઢંગ જવાનું હતું જ્યાં નાં હોમ સ્ટે માં એક રાત રોકાવાનું હતું, એટલેકે ૩૦૦૦ ફીટ થી ૧૨૦૦૦ ફિટ ની ઊંચાઈ સર કરવાની હતી. જેથી ગરમ કપડાં તથા રોજિંદી જરૂરિયાત ની વસ્તુ ઓ સાથે રાખવાની હતી,બાકીનો સમાન અહી હોટેલ માં જ પડી રહેવાનો હતો.
લગભગ દસેક વાગ્યા ની આસપાસ નાબીધાંગ નામના ગામ તરફ મુસાફરી ચાલુ કરી.રસ્તા માં નારાયણ આશ્રમ આવે છે. નાબિધાંગ બહુજ નાનું ગામ છે,તિબેટ ની બોર્ડર પર આવેલ છે.અહી થોડાંક હોમસ્ટે આવેલ છે,લાઈટ પણ સોલાર થી મળે છે, બાકી કશુંજ નથી.અહી લઘુતમ ઉષ્ણતામાન આઠ થી નવ ડિગ્રી હોય છે. અહી થી એક રસ્તો આદિ કૈલાસ અને બીજો ઓમ પર્વત તરફ જાય છે.
રસ્તા માં બે એક વાર અમારી પરમીટ ચેક થાય છે.વચમાં ફૂટી નામનું ગામ આવે છે જે આ વિસ્તાર નું છેલ્લું ગામ છે જે કુંતી નાં નામ પર થી પડેલ છે,અહી પણ હોમ સ્ટે આવેલ છે.
રસ્તો એકદમ સર્પાકાર. શોર્ટ ટર્ન વાળા તથા ઉબડ ખાબડ છે,ક્યારેક કોઈક ટ્રેક સારો પણ આવી જાય. રસ્તા માં ઊંચા ઊંચા પહાડો, ઝરણાં,નાના નાના ધોધ બહુ જોવા મળે, કાલી નદી રસ્તા ની એક તરફ સતત જોવા મળે,ડ્રાઇવર ની એક નાની ભૂલ તમને સીધા નદી ને હવાલે કરી દે.
સુંદર કુદરતી સૌંદર્ય માણતા અમે નાબી ધાંગ પહોચ્યા જ્યાં નાં હોમ સ્ટે માં અમારે એક રાત પસાર કરવાની હતી. અહી કોઈ પણ જાત ની સગવડ નથી હોતી , ફક્ત પલંગ, બે ધાબળા અને કોમન ટોઇલેટસ. અહી લગભગ એંશી થી નેવું જણ રોકાઈ શકે છે. અહી પહોંચી ને આસપાસ ફર્યા અને આરામ કર્યો,શરીર ને વાતાવરણ થી તાલમેલ કરાવવો જરૂરી હોય છે. રાત ના જમવાનું સારું હતું. જમી ને સૂતા.
૯-૧૦-૨૪
સવારે નહાવું અઘરું હતું,પણ ભાઈ પ્રદીપ તો નાહ્યા,મે મો ધોઈ ને ચલાવી લીંધુ. સવારે ગરમ પાણી મળે જે નીચે થી ઉપર જાતે લઈ આવવું પડે. ચા નાસ્તો પતાવી અમારી બે બોલેરો ઉપડી, આદિ કૈલાશ તરફ.
અમે લોકો નાસ્તો ભરપેટ કરતા એટલે રસ્તા નાં જમવાનો પ્રશ્ન જ ન રહે. અહી થી આદિ કૈલાસ ૨૫ કિલોમીટર દૂર આવેલ જોલિંગ કોંગ વિસ્તાર માં સ્થિત છે અહી મીલીટરી નાં વાહનો ની અવર જવર જોવા મળે તથા આગળ ગૌરી કુંડ જવા માટે ઘોડા વિગેરે પણ મળે,લાઈટ નાસ્તો પણ મળે.
અહી થી પ્રથમ પાર્વતી મંદિર જવાનું છે જે લગભગ અડધો કિલોમીટર નું સાધારણ ચડાઈ વાળી જગ્યા છે, અહી થી આદિ કૈલાશ નાં ભવ્ય દર્શન થાય અને ઈશ્વર નાં સાક્ષાતકાર નો અનુભવ થાય. શરૂઆત માં સાધારણ વાદળાં હતા પણ પછી આખા પર્વત નાં સરસ દર્શન થયા, ક્યારેક નસીબ ખરાબ હોય તો વાદળાં ને કારણે દર્શન ન પણ થાય.પણ અમને સરસ દર્શન નો લાભ મળ્યો, અહી પાર્વતી એ શંકર ને પામવા તપ કરેલ એવી માન્યતા છે.
પ્રથમ તો દોઢ થી બે કિલોમીટર ગૌરી કુંડ જ્યાં માતા પાર્વતી સ્નાન કરતા , ત્યાં પગપાળા જવાની ઈચ્છા થઈ પણ ચડાઈ,તથા ત્યાં પહોંચતા લગતો સમય વિગેરે ગણતા ઘોડા પર જવાનું નક્કી કર્યું અને ઉપડયા ગૌરી કુંડ તરફ. હાલમાં એનો ચાર્જ 3000 રૂપિયા હતો.જોકે કોઈ કોઈ પગપાળા જતા જોવા મળતા હતા.સામે સાક્ષાત શિવ નાં દર્શન તો થયા જ કરે. એકાદ કલાક માં ગૌરી કુંડ થી થોડે દૂર ઘોડા વાળા એ ઉતારી મૂક્યા ત્યાંથી સો બસો ફૂટ પગે ચાલવું પડે.નાની સાંકડી એકાદ ફૂટ ને કેડી તે પણ ત્રાંસી ,એમાં ઝીણી કાંકરી, એટલે ચાલતા બહુ બેલેન્સ જાળવવું પડે ,પડ્યા તો સીધા નીચે,અલબત્ત જીવ તો બચી જાય પણ છોલાઈ આખું શરીર જાય.હુ તો હિંમત હારી ગયો ,બહુ જોખમ લાગ્યું,એક ખડક પર બેસી ગયો આગળ ન વધવું એમ નક્કી કરી ને ,આસપાસ કોઈ દેખાય નહિ,પણ ભગવાને બે જુવાનિયા ને મોકલી આપ્યા જે મને હાથ પકડી,જોખમી ટ્રેક પસાર કરવી આપ્યો અને આપણે બીજા સહયાત્રી જોડે ગૌરી કુંડ નાં દર્શન કર્યા,થાક પણ લાગેલ,હવા પાતળી હોવાને કારણે તરત હાંફ ચડી જાય.માન્યતા પ્રમાણે શિવે અહી તાંડવ નૃત્ય કરેલ, ગણેશ વાળો કિસ્સો પણ અહી જ થયેલ, આદિ કૈલાસ પર પણ તમને સાધારણ ગણેશ જેવો આકાર જોવા મળે. અહી થી અલોકિક પર્વત નાં થોડા વધારે નજીક થી દર્શન થાય ,આસપાસ પાંચ પર્વત નાં શિખર નાં દર્શન થાય જે પાંડવ પર્વત તરીકે ઓળખાય છે,તેઓ પણ આ વિસ્તાર માં રોકાયેલ.
હાલ અમે ૧૫૦૦૦ ફીટ ની ઊંચાઈ પર, 8 ડિગ્રી ઠંડી વચ્ચે છીએ. આદિ કૈલાસ એકદમ નજીક નજર સમક્ષ છે. જિંદગી નો એક અલોકિક અને અભૂતપર્વ અનુભવ પ્રાપ્ત થયો. શિવ નો આભાર માની પરત નીકળ્યા, વળી પાછા એ જ ભાઈઓ એ જોખમી રસ્તો પસાર કરાવી દીધો,બસ ઘોડા સુધી પહોંચી ગયા અને પરત જોલિંગ કોંગ આવી ગયા. ત્યાં ચા પાણી થોડો નાસ્તો કરી નાબિધાંગ પહોંચી ગયા, આરામ કરી રાત નું જમણ પતાવી સૂઈ ગયા,કાલે ઓમ પર્વત જવાનું છે.
૧૦-૧૦-૨૪
સવારે વહેલા ઊઠી, ચા નાસ્તો કરી(નાહ્યા વગર) અમે લોકોએ ઓમ પર્વત તરફ પ્રયાણ આદર્યું.ઠંડી તો સ્વાભાવિક છે કે સખત હોયજ,પવન પણ છે.
ઓમ પર્વત ની ઊંચાઈ ૧૮૦૦૦ફીટ ની છે,અહી પર્વતો ની હાર માં ઓમ નો પરફેક્ટ આકાર ઊપસી આવે છે.આને ચમત્કાર કહેવો કે નહિ તે સુજ્ઞ વાચક પર છોડુ છું.ઓમ પર્વત કૈલાસ માનસરોવર નાં પગપાળા નાં રસ્તા પર આવેલ છે. અહી થી લીપુલેખ પાસ આવે ત્યાંથી તિબેટની સરહદ વટાવી કૈલાસ જવાય,જો કે આગળ જણાવ્યું તેમ યાત્રા બંદ છે,તાજેતર મા એક વ્યુ પોઇન્ટ બનાવવા માં આવેલ છે ત્યાં હેલિકોપ્ટર માં KVNM દ્વારા લઈ જવામાં આવે છે.
નબિધાંગ થી ઉપડી અમે પહોચ્યા કાળી માતા નાં મંદિરે.આ આખો વિસ્તાર આર્મી હસ્તક છે,તેમના વાહન તથા સર સમાન જોવા મળે છે.આ સ્થળ કાલા પાની તરીકે ઓળખાય છે અને અહી કાલી નદી નું ઉદગમ સ્થાન જે ઠેઠ ધારચુલા થી પણ આગળ વહે છે તથા ભારત નેપાળ ની બોર્ડર તરીકે પણ ઓળખાય છે. મંદિર સામે પત્થર નાં પહાડો નાં દર્શન થાય છે જેમાં બહુ ઉપર નાં ભાગ માં વ્યાસ ગુફા આવેલ છે જ્યાં માન્યતા પ્રમાણે વ્યાસ ઋષિ એ તપ કરેલ ,અને આવેલ સપના ને અનુસરી કાલી માતા નું મૂર્તિ નું સ્થાપન કરેલ. અમે સૌ એ માતાજી નાં ભાવ પૂર્વક દર્શન કર્યા.
ત્યાં આર્મી નું બોમ્બે ચોપાટી આવેલ છે, જ્યાં તમને અમુક નાસ્તો પણ વ્યાજબી ભાવે મળયો,અને જલેબી નો સ્વાદ માણ્યો,બહુજ સરસ હતી.જવાનો સાથે થોડી ગોષ્ઠિ કરી સલામ કરી ઉપડયા ઓમ પર્વત તરફ.
ચીન બોર્ડર નજીક હોવાને કારણે આર્મી ની ગતિવિધિ બહુ જોવા મળતી હોય છે.
ખેર અમે આવી પહોંચ્યા ઓમ પર્વત પાસે.બોલેરોમાંથી ,ઉતરી બસો ત્રણસો ફૂટ ની ઊંચાઈ પર વ્યુ પોઇન્ટ આવેલ જ્યાં થી તમને ઓમ પર્વત નાં ક્લીઅર દર્શન થાય આકાર પણ એકદમ સ્પષ્ટ દેખાય છે, મારા ઘરે ઓમ પર્વત નો ફોટો રાખેલ છે,પણ કલ્પના પણ ન હતી કે વાસ્તવ માં આ સ્થળ નાં દર્શન થશે.મન ભરી ને દર્શન કર્યા ઓમ ને મગજ માં કાયમ માટે સેવ કરી ફોટા ઓ વિગેરે પાડી, ચા પાણી પી ને પરત ધારચૂલાં જવા ઉપડ્યા.
આદિ કૈલાસ તથા ઓમ પર્વત નાં દર્શન માં થોડો ઘણો નસીબ નો પણ ફાળો હોય છે કારણકે અહી હવામાન નો કઈ ભરોસો નહિ,અચાનક વાદળાં આવી જાય, વરસાદ ચાલુ થઈ જાય તો બને સ્થળ ઢંકાઈ જાય, ક્યારે વાદળ હટે એનો કઈ ભરોસો નહિ. અમને નસીબ જોગે વાદળાં તો હતા પણ થોડા ટાઈમ માટે ખસી ગયેલ જેથી બંને જગ્યા એ પૂર્ણ રીતે દર્શન નો લહાવો મળ્યો,ભગવાન ની કૃપા બીજુ શું!
અહી રસ્તો એકદમ કાચો અને ઉબડ ખાબડ છે, પેટ માં આંટી વળી જાય .રસ્તા માં એક જગ્યા એક નાના હોમ સ્ટે માં અમારા ડ્રાઈવર ની ઓળખાણ થી એક કલાક માં ત્યાંના બેને રોટલી, દાળ ભાત શાક વિગેરે બનાવી આપ્યું. આ વિસ્તાર માં જમવા નું સારું મળે છે.
બસ જમી ને ધાર્ચૂલા આવી ગયા,રૂમ માં આરામ કર્યો.રાત નું જમણ પતાવી કંબલ ઓઢી ને સુઈ ગયા. અહી નાં બોલેરો ડ્રાઇવર ને ટીપ આપી ખુશ કર્યા, આ યાત્રા નો ખરો યશ એમને આપવો પડે કેમકે અસલામત અને જોખમી વળાંકો વાળા ઉબડખાબડ રસ્તા પર બને સ્થળ ની સલામત યાત્રા કરાવી, સહી સલામત રીતે ધાર્ચુલા પહોચાડ્યા.અહીંના ડ્રાઇવરો આ જોખમી ડ્રાઇવિંગ માં ખુબ કુશળ છે.એક વાત કહેવી પડશે કે પહાડો પર વસતા માણસો માં નિખાલસતા બહુ જોવા મળી.
અહી એક આડવાત કરું કે ધરચૂળા થી આગળ નાં ગામો જેવાકે,નબીધાંગ, ગુંજી કે ફૂટી વિગેરે નાં લોકો નવેમ્બર મહિના માં ધાર ચૂલા અસ્તા આવી જતા હોય છે અને ફરીથી માર્ચ એપ્રિલ માં નવી સીઝન ચાલુ થાય ત્યાં લગી.
૧૧-૧૦-૨૪
સવારે વહેલા ઊઠી, છોલે પૂરી નો નાસ્તો પતાવી અમારી હોટેલ ભગવતી ઈન ને બાય બાય કરી ટેમ્પો ટ્રાવેલર્સ માં ગોઠવાઈ ગયા.
આજ ની રાત અમારું રોકાણ લોહા ઘાટ ખાતે જે. બી રિસોર્ટ માં હતું.
અહી માયાવતી આશ્રમ આવેલ છે જ્યાં દરેક ને મૌન રહેવા નું હોય છે.અહી વિવેકાનંદ પણ સાધના કરી ગયેલ છે.
હોટેલ નાં રૂમ તથા લોકેશન સરસ છે. રાત્રે જમવા નું પતાવી ગામ માં લટાર મારવા નીકળ્યા,પહાડ ની વચ્ચે ગામ વસ્યું છે,રસ્તા પહોળા ને સરસ છે,ઠંડી ને કારણે બજાર વહેલી બંદ થઈ જાય.થોડું ચાલી હોટેલ પર આવી ને સૂતા.
૧૨-૧૦-૨૪.
સવારે નાસ્તો કરી બસ માં ગોઠવાઈ ગયા રસ્તા માં આવતા ગામો પણ સરસ હોય છે મકાનો નાં બાંધકામ લગભગ એક જ ટાઈપ નાં લાગે.
ધીમે ધીમે અમે ઊંચાઈ પર થી નીચે આવવા લાગ્યા અને દિલ્હી તરફ આગળ વધ્યા,વચમાં એક સભ્ય પોતાની સ્થાન આવતા ઉતરી ગયા, દિલ્હી નજીક એક હોટેલ માં જમ્યા,સાત દિવસે છાસ પીવા મળી.
સહયાત્રી ઓ પતાને અનુકૂળ રીતે ઉતરતા ગયા, છેલ્લા અમે બે જણા દિલ્હી સ્ટેશન પર ઉતર્યા, ડ્રાઇવર નો આભાર માની પ્લેટફોર્મ 2 પર પહોંચ્યા. ટ્રેન સમયસર આવી ગઈ, બેસી ગયા. આવતીકાલે વડોદરા.
તારીખ ૧૩ નાં સવારે વડોદરા પહોચ્યા. જલજ મને ઘેર મૂકી ગયો.
આમ અમારી યાત્રા સુખરૂપ રીતે કોઈ પણ જાત ની તકલીફ વગર સલામત રીતે પૂરી થઈ, તે માટે પરમાત્મા નો ખુબ આભાર, જિંદગી ભર નું એક સુંદર સંભારણું બની ગયું.















Adventurer at 76 👏
ReplyDelete