બેંગ્લોર થી ઉડુપી રોડ ટ્રીપ 2026
![]() | |
|
દર વર્ષની પરંપરા મુજબ રિશીએ આ વખતે ઉડુપી જવાનો પ્લાન બનાવ્યો. ઉડુપી સાઉથ કર્ણાટકમાં આવેલું દરિયાકિનારે વસેલું સુંદર સ્થળ છે, જે બેંગલોરથી ૪૦૦ કિલોમીટર કરતાં વધુ દૂર સ્થિત છે.
Day-1: 22/10/2026
અમે વહેલી સવારે ઉપડ્યા અને રસ્તામાં નાના-મોટા રોકાણો કરતા સાંજે માલપે (Malpe) બીચ પર પહોંચ્યા, જ્યાં અમારો મુકામ હતો. અમારું હોમ-સ્ટે વિલા માલપે દરિયાની સામે જ, માંડ ૪૦૦ થી ૫૦૦ ફૂટના અંતરે હતું. દરિયાના દર્શન ૨૪ કલાક થયા કરતા અને મોજાંનો ગુંજારવ રાત દરમિયાન સતત કાને પડતો રહેતો. સાંજે એ જ ઘર સામેના બીચ પર દરિયાની લહેરોનો આનંદ માણ્યો, ફોટા વગેરે ખેંચીને પરત ઘર ભેગા થયા અને આખા દિવસની મુસાફરી નો થાક ઉતાર્યો.
![]()
| ||
![]() |
| Villa Malpe |
Day-2: 23/10/2026
બીજે દિવસે સવારે બોટમાં બેસીને સેન્ટ મેરી ટાપુ (St. Mary's Islands) પર ગયા. આ ટાપુ વિશે લોકવાયકા છે કે ૧૪૯૮માં વાસ્કો ડી ગામાએ અહીં પહેલું કદમ મૂક્યું હતું અને ત્યારબાદ તે કેરળ તરફ ગયા હતા. આ ટાપુ મોટા-મોટા સ્તંભ જેવા પથ્થરોનો બનેલો છે, જે કોઈ શિલ્પકારે ઘડેલી મૂર્તિ જેવા દેખાય છે. કરોડો વર્ષ પહેલાં ફાટેલા જ્વાળામુખીના લાવા ઠરવાથી બનેલા આ અદભુત પથ્થરોને સરકારે નેશનલ જીઓલોજિકલ મોન્યુમેન્ટ તરીકે ઘોષિત કર્યા છે. ટાપુના અમુક હિસ્સા પર રેતીને બદલે નાના શંખ તથા છીપલા જોવા મળે છે.
![]() |
| Entire St Mary's island view from boat |
| Island is famous for its rare Geometric columnar basaltic rock formations |

આ ટાપુ માલપે બીચથી દસેક કિલોમીટર દૂર છે અને બોટ દ્વારા ત્રિસેક મિનિટમાં પહોંચી શકાય છે. એકાદ કલાક ત્યાં વિતાવ્યા બાદ તે જ બોટમાં પાછા ફરી શકાય છે. ટાપુ પર ફરવાની તથા ચા-નાસ્તાની મજા માણી શકાય છે. અમે પણ ખૂબ ફર્યા, સ્વચ્છ પાણીમાં ચાલવાની તથા ફોટોગ્રાફીની મોજ માણી અને તે જ બોટમાં પાછા ફર્યા.
ત્યાંથી અમે પ્રખ્યાત શ્રી કૃષ્ણ મઠ-મંદિર તરફ ગયા. આ મઠ/મંદિરની સ્થાપના ૧૩મી સદીમાં વૈષ્ણવ સંત શ્રી મધવાચાર્ય દ્વારા થઈ હતી. આ મૂર્તિ વિશે માન્યતા છે કે વર્ષો પહેલાં દ્વારકાથી ગોપીચંદનની માટીથી ઢંકાયેલી અવસ્થામાં તે એક જહાજમાંથી મળી આવી હતી. આ મૂર્તિની અનોખી વાત એ છે કે તેના સીધા દર્શન થતા નથી, પરંતુ ભક્તો ચાંદીની નવ છિદ્રોવાળી બારીમાંથી દર્શન કરી શકે છે. અહીં દર્શન માટે પરંપરાગત વસ્ત્રો પહેરવા પડે છે; જીન્સ, બર્મુડા કે ટૂંકા કપડાં અલાઉડ નથી. આસપાસના વિસ્તારમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. દર્શન માટે લાંબી કતાર હોય છે. અહીં આવેલી ભોજનશાળામાં સાત્વિક ભોજન જમ્યા બાદ અને પ્રસાદ લઈને અમે 'હસ્તશિલ્પ હેરિટેજ વિલેજ' (Hastashilpa Heritage Village) તરફ પ્રયાણ આદર્યું.
આ મ્યુઝિયમની સ્થાપના ૧૯૭૦માં કરવામાં આવી હતી. આ કોઈ સામાન્ય મ્યુઝિયમ જેવું નથી, પરંતુ કર્ણાટક તથા દક્ષિણ ભારતના ૧૩મી સદીથી માંડીને લુપ્ત થવાની અણી પર આવેલા ૨૬ જેટલા જૂના પરંપરાગત ઐતિહાસિક ઘરો, દુકાનો અને મઠોને તેમના મૂળ સ્વરૂપમાં અહીં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. આ મ્યુઝિયમ લગભગ ૬ એકરમાં ફેલાયેલું છે, જ્યાં બૂટ-ચંપલ ઉતારીને અંદર જવાનું હોય છે. આ આખો ઇતિહાસ માણવામાં લગભગ બે કલાક જેટલો સમય લાગે છે. આ મ્યુઝિયમમાં વિજયનગર સામ્રાજ્ય અને મરાઠા શાસન સમયના લાકડાના ઘરો તથા જૂના જમાનાના વાસણો, ફર્નિચર, વસ્ત્રો વગેરે સચવાયા છે. તે સમયે વરસાદ પડતો હોવાથી અમને આ મ્યુઝિયમ જોવા માટે છત્રીનો ઉપયોગ કરવો પડ્યો હતો. (Photos for reference on their website --> https://www.heritagevillagemanipal.org/ )
Day-3: 24/10/2026
આજે અમારો પ્રોગ્રામ કોડી બીચ (Kodi Beach) જવાનો હતો, જે ઉડુપીથી લગભગ ૪૦ થી ૫૦ કિલોમીટર દૂર છે. આ સ્થળની મુખ્ય ખાસિયત એ છે કે અહીં પંચગાંગાવલી અને સુવર્ણા નદી અરબી સમુદ્રમાં મળે છે. કન્નડ ભાષામાં 'કોડી' એટલે સંગમસ્થાન. અહીંથી અમે સ્પીડ બોટ (બ્રહ્મોસ એડવેન્ચર) બુક કરી હતી, જેના દ્વારા દરિયા વચ્ચે આવેલા ઘટાટોપ મેંગ્રોવ (Mangroves) ના જંગલો વચ્ચે ફરવાનો અનોખો આનંદ લીધો. ત્યાંથી મધદરિયામાં ડોલ્ફિન જોવાનો રોમાંચક અનુભવ કર્યો. સવારના સમયે ડોલ્ફિન માછલીઓ ખોરાક મેળવવા માટે નજીકના 'ડેલ્ટા પોઈન્ટ' કહેવાતા વિસ્તાર તરફના દરિયામાં આવતી હોય છે, જેને કૂદકા મારતી નજરે જોઈ શકાય છે (જે ફોટામાં આપ જોઈ શકશો).
![]() |
| Enjoying speedboat ride towards Mangrove forest |
| Boat trip inside Magrove forest |
| Dolphin sighting in delta point, Kodi beach |
ત્યાં સમુદ્રની વચ્ચે 'સેન્ડ બેંક' (Sand island) કહેવાતો સુંદર વિસ્તાર છે. આસપાસ ખુલ્લો સમુદ્ર અને વચ્ચે રેતી પર ચાલવાનો રોમાંચ જ અલગ છે. રિશી અને દીત્સાએ આ અનુભવ કર્યો. થોડીવાર પછી બોટવાળો તેમને પાછા લઈને અમારા સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવ્યો. ત્યાં અમે ભેળ, ફ્રૂટ્સ અને સોડાનો આનંદ માણ્યો.
| wild life at sand island near kodi beach |
ત્યાર પછી અમે મારવંતે (Maravanthe) બીચ તરફ નીકળ્યા, જે એક શાંત અને સુંદર બીચ છે. આની સૌથી મોટી વિશેષતા એ છે કે નેશનલ હાઇવે ૬૬ની એક તરફ ઘૂઘવતો અરબી સમુદ્ર અને બીજી તરફ સૌપર્ણિકા નદી વહે છે અને વચ્ચે હાઇવે છે! તડકો વધુ હોવાથી અમે ત્યાં વધુ રોકાયા નહીં. ત્યાંથી ઉડુપીની પ્રખ્યાત વૂડલેન્ડ્સ રેસ્ટોરાંમાં સાઉથ ઇન્ડિયન વાનગીઓનો સ્વાદ માણ્યો.
![]() |
| Waiting queue at Woodlands restaurant |
![]() |
| Karnataka's famous (originated from Mangalore,Udupi) "Gudbud" icecream |
![]() |
| An evening at Malpe beach with water sports activities |
![]() |
| Potato Twisters! |
ત્યારબાદ રૂમ પર આવી થોડો આરામ કર્યો અને સાંજે ફરી નજીકના માલપે બીચ પર ગયા, જ્યાં સ્પીડ બોટની મજા માણી. મને કમરની થોડી તકલીફ હોવાથી હું એ માણી ન શક્યો. પોટેટો ટ્વિસ્ટર વગેરે ખાઈને થોડી લોકલ શોપિંગ કરી રૂમ પર પાછા ફર્યા. અહીં શનિવારે ફુલભાઈ (મારા સૌથી મોટા ભાઈ) ના સિરિયસ હોવાના દુઃખદ સમાચાર મળ્યા. આવતીકાલે સવારે અમારે પાછા ફરવાનું હતું.
Day-4: 25/10/2026
સવારે લગભગ ૧૦ વાગ્યાની આસપાસ વળતી મુસાફરી શરૂ કરી. રસ્તામાં સક્લેશપુર (Sakleshpur) નામનું સુંદર હિલ સ્ટેશન આવે છે, જેના સર્પાકાર રસ્તાઓ તથા ઘટાટોપ જંગલો વચ્ચેથી રસ્તો પસાર થાય છે. મેંગ્લોરનો ટ્રાફિક, રસ્તામાં ચા-પાણી તથા જમવાના હોલ્ટ્સ અને બેંગલોરનો ભારે ટ્રાફિક પાર કરીને રાત્રે સાડા અગિયારે અમે સહીસલામત ઘેર પહોંચ્યા.
આખી યાત્રા સેલ્ફ-ડ્રાઇવિંગ કરીને પાર પાડવી એ ખૂબ જ માનસિક સંતુલન અને શારીરિક મહેનત માગી લે છે. તે માટે રિશીના જેટલા ધન્યવાદ માનીએ એટલા ઓછા છે!
#UdupiDiaries #KarnatakaTourism #SouthIndiaTravel #ExploreKarnataka #UdupiTourism #RoadTripIndia #StMarysIsland #MalpeBeach #UdupiKrishnaTemple #MaravantheBeach #DeltaPointUdupi #FamilyRoadTrip #TravelBlog #IncredibleIndia #SelfDriveTrip #TravelDiaries
















Memorable road trip of highly underrated tourism spot Udupi
જવાબ આપોકાઢી નાખો